Vibrant Gujarat 2017 : Gujarat માં ફ્રાંસ ૬૦ એકમો સ્થાપે તેવી શક્યતા

vibrant-gujarat-ceo

ફિક્કી અને ફ્રાન્સના રાજદૂતાવાસ દ્વારા Vibrant Gujarat ગ્લોબલ સમિટ ૨૦૧૭ના ભાગરૂપે યોજવામાં આવેલા ફ્રેન્ચ કન્ટ્રી સમીટમાં ભારત, ગુજરાત અને ફ્રાન્સ વચ્ચે ઉર્જા અને પરિવહન ઉપરાંત કચરામાંથી ઉર્જા ઉત્પાદન તેમજ પ્રાદેશિક વાયુસેવા જોડાણ યોજના ઉડાન સહિત વિવિધ ક્ષેત્રોમાં આર્થિક વ્યાપારિક સંબંધોની શક્યતાઓનો વિચાર વિમર્શ થયો હતો.

૧૯૯૮ની સંધી પછી ફ્રાન્સ અને ભારત વચ્ચે આર્થિક સંબંધો, વ્યાપક મજબૂત અને બહુઆયામી બન્યા છે, એવી લાગણી વ્યક્ત કરવાની સાથે સેમિનારનો પ્રારંભ કરાવતા ભારત સ્થિત ફ્રાન્સ રાજદૂતાવાસના મીનીસ્ટર કાઉન્સેલર જીન માર્ક ફેનેટે જણાવ્યું હતુ કે, વીજીજીએસ-૨૦૧૭માં ભાગ લઈ રહેલુ સૌથી મોટું વિદેશી પ્રતિનિધિમંડળ ફ્રાન્સનું છે. ફ્રાન્સની ૬૦ જેટલી વ્યાપારિક પેઢીઓ-સંસ્થાઓને ગુજરાતમાં મૂડિરોકાણની આશાસ્પદ સંભાવનાઓ જણાય છે. અને તેમના પ્રતિનિધિઓ ડેલીગેશનમાં જોડાયા છે. વિવિધ ક્ષેત્રોમાં ભારત- ફ્રાન્સ વચ્ચેની મૈત્રી મજબૂત બની રહી છે. અમને ગુજરાત ખૂબ જ વાઈબ્રન્ટ અને ડાયનેમિક સ્ટેટ લાગ્યુ છે.

વીજીજીએસમાં ભાગ લેવા ફ્રાન્સથી ખૂબ જ હાઈપ્રોફાઈલ ડેલિગેશન આવ્યુ છે જે ફ્રાન્સ સરકારની ગુજરાત સાથે આર્થિક વિકાસમાં સહભાગીદારીનું સંકલ્પબદ્ધતા દર્શાવે છે એવી લાગણી વ્યક્ત કરતા ફિક્કી ગુજરાતના સ્ટેટ કાઉન્સિલ અધયક્ષ શ્રી રાજીવ વસ્તુપાલે જણાવ્યુ હતુ કે, ગુજરાતે નીતિઓને સરળ બનાવીને વ્યાપાર-વિકાસની સુગમતા કરી છે તેથી વિશ્વના રોકાણકારોનું લક્ષ્ય ગુજરાત બન્યુ છે. ફ્રાન્સ સાથે ફિક્કી ખૂબ જ મજબૂત સંબંધો ધરાવે છે. આ પ્રકારના નિયમિત સંવાદોથી ફ્રાન્સ અને ભારત, ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનશે.

આ પરિસંવાદમાં ઉર્જા વિભાગના અગ્ર સચિવ સુજીતકુમાર ગુલાટી તેમજ વિભાગના અધિકારીઓ, ફ્રાન્સ અને ભારતીય એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. ધોલેરા ઈન્ડસ્ટ્રીઅલ સિટી અને એરબસ વચ્ચે સમજૂતિ કરારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ અને એમડી અજય ભાદૂએ ભાગ લીધો હતો.

NO COMMENTS

LEAVE A REPLY