Gujarat ના૧૨ જિલ્લામાંથી પસાર થતો દિલ્‍હી-મુંબઇ ફ્રેઇટ કોરીડોર ૨૦૧૮માં પૂર્ણ કરાશે : નીતિન પટેલ

Delhi Mumbai Corridor

Gujarat ના નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, ગુજરાત આજે માળખાગત સવલતોના નિર્માણ થકી દેશનું ગ્રોથ એન્‍જીન પુરવાર થઇ રહયુ છે ત્‍યારે કેન્‍દ્ર સરકારનો મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ દિલ્‍હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટનો ૫૫૮ કિલોમીટરનો હિસ્‍સો જે ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે. તેના કામો આગામી ર૦૧૮ સુધીમાં પૂર્ણ કરાશે. જેનાથી રાજયમાં ઉદ્યોગોનો વ્‍યાપ વધશે અને રોજગારીની વ્‍યાપક તકોનું નિર્માણ થશે.

દિલ્‍હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતા નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજયના વિકાસ માટે મહત્‍વના આ પ્રોજેકટમાં રૂા.૫૫૦૦ કરોડના ખર્ચે ૧૪૧ રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાશે. જેમાં કુલ પ્રોજેકટ ખર્ચમાં પ૦ ટકા હિસ્‍સો રાજય સરકારનો તથા પ૦ ટકા હિસ્‍સો રેલવે મંત્રાલયનો રહેશે. આ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર રૂા.૧૨૫૦ કરોડ અને રેલવે મંત્રાલય રૂા.૧૨૫૦ કરોડ ફાળવશે. કેન્‍દ્ર સરકારના મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ કુલ લંબાઇ ૧૫૦૮ કિલોમીટર છે. જે પૈકી ગુજરાતમાંથી ૫૫૮ કિલોમીટરનો રેલવે માર્ગ પસાર થાય છે. રાજસ્‍થાનથી ગુજરાતમાં પ્રવેશતો આ રેલ માર્ગ રાજ્યના ૧૨ જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં બનાસકાંઠાથી શરૂ થઇ મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વસલાડ જિલ્લામાં થઇને મહારાષ્‍ટ્રમાં પ્રવેશશે.

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, આ રેલવે લાઇન ઉપર આવતા તમામ લેવલ ક્રોસીંગ ઉપર રેલવે ઓવરબ્રીજ તથા રેલવે અંડરબ્રીજ બનાવાશે. જેમાં કુલ-૫૩ ઓવરબ્રીજનું નિર્માણ થશે. તે પૈકી ૨૬ આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા અને ૨૭ આર.ઓ.બી. રેલવે મંત્રાલય દ્વારા નિર્માણ કરાશે. આ ૫૩ આર.ઓ.બી. પૈકી ૧૨ આર.ઓ.બી.ના કામો પ્રગતિ હેઠળ છે. જયારે અન્‍ય ૪૧ કામોના અંદાજ પત્રો ટેન્‍ડર પ્રક્રિયા હેઠળ પ્રગતિમાં છે. આ ઉપરાંત ગ્રામ્‍ય કક્ષાએ પણ ખેડૂતો અને લોકોને ટ્રાફ્રિક સમસ્‍યાનો ભોગ ન બનવુ પડે તે માટે પણ ૮૮ જેટલા ક્રોસીંગ ઉપર રૂા.૫૦૦ કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવવાની કામગીરી પણ રેલવે વિભાગ દ્વાર હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, આ પ્રોજેકટ પૂર્ણ થવાથી રાજયના નાગરિકોનો સમય અને ઇંધણની બચત થશે અને સાથે સાથે ટ્રાફ્રિકનું ભારણ ઘટશે અને નાગરિકોની સલામતીમાં પણ વધારો થશે.

NO COMMENTS

LEAVE A REPLY