દેશની ૨૩ IIT માં અધ્યાપકોની ૩૫ ટકા જગ્યા ખાલી

35 Percent Teachers Seat are Vacant In 23 IIT

દેશની ૨૩ IIT માં મંજૂર કરાયેલી શિક્ષકો (અધ્યાપકો)ની જગ્યાઓ પૈકીની અંદાજે ૩૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી હોવાની માહિતી આરટીઆઈ અંતર્ગત બહાર આવી છે. મધ્ય પ્રદેશના નીમચ શહેરના સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌડે માહિતીના અધિકાર (RTI)ના આધારે વિગતો જાહેર કરી છે.
ચંદ્રશેખર ગૌડની આરટીઆઈની અરજીના જવાબમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક અધિકારીએ ૧ ઓકટોબર ૨૦૧૬ સુધીની સ્થિતિ મુજબની માહિતી આપી છે. આઠ જૂની IIT માં અધ્યાપકોની ૩૭ ટકા જગ્યાઓ ખાલી પડી છે. જયારે નવી બનેલી ૧૫ IIT ની પણ આવી જ હાલત છે.

કઈ IIT માં અધ્યાપકોની કેટલી ઘટ

દેશની વિવિધ IIT માં અધ્યાપકોની સરેરાશ ૩૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. જેમાં IIT મુંબઈમાં ૩૦%, IIT દિલ્હીમાં ૩૫%, IIT ગુવાહાટીમાં ૨૭%, IIT કાનપુરમાં ૩૭%, IIT ખડગપુરમાં ૪૬%, IIT મદ્રાસમાં ૨૮%, IIT રુડકીમાં ૪૫% અને IIT બીએચયુ ૪૭% અધ્યાપકોની જગ્યા ખાલી પડેલી છે.

અધ્યાપક અને વિદ્યાર્થીઓનો રેશિયો

દેશની વિવિધ IIT માં અધ્યાપક અને વિદ્યાર્થીઓના રેશિયોની સ્થિતિ કેટલી હોવી જોઈએ? નક્કી કરાયું છે. જેના અંતર્ગત IIT માં અધ્યાપક-વિદ્યાર્થીઓનો રેશિયો ૧:૧૦ નો હોવો જોઈએ. જયારે દેશની વિવિધ IIT માં હાલમાં અધ્યાપક-વિદ્યાર્થીઓનો રેશિયો ૧:૧૬ નો છે.

સુપર ૩૦ના સંસ્થાપક આનંદકુમારનું કહેવું છે કે સરકારે ફટાફટ નવી આઈઆઈટીઓ તો ખોલી નાખી છે, પરંતુ તેમાં પૂરતા શિક્ષકો (અધ્યાપકો), બિલ્ડીંગો, પ્રયોગશાળાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થાઓ હજુ સુધી થઇ શકી નથી.

IIT જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ૩૫ ટકા અધ્યાપકોની ઘટ હોવી તે ખૂબ જ ગંભીર બાબત છે. અધ્યાપકોની ઘટની સીધી અસર આ સંસ્થાઓમાં અભ્યાસ કરીને બહાર નીકળનારા વિદ્યાર્થીઓની ગુણવત્તા પર પડી શકે છે. જો આપણે આ સંસ્થાઓને રાષ્ટ્રની શાન સમજીએ છીએ, તો કોઈ કારણ નથી કે અહી આપણે કોઈ પણ રીતે કોઈ ખામી રહેવા દઈએ, શિક્ષણના ઉચ્ચ સ્તરને ટકાવી રાખવા માટે જરૂરી છે કે અહિયાં અધ્યાપકની એક પણ જગ્યા ખાલી ન રહેવી જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY